![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjtlEKUZ7qOpq_JICm9b-nLdvQnBG1ti8soCPQQn20XH4f7h9wdy5Sq-Y1dJlqiWChZ1hocrwyFbSVqmqYBfDx3mncHe14M1fSmkzaw-utOMNpNR5NQPGyye7iy2xypD2Mz0203Mz0Aqn7q/s320/child1.jpg)
સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
'તને ચાહું છું હું' બસ આટલી ટાંચણ મળી આવે
ફરે છે એક માણસ ગોધૂલી વેળા આ સડકો પર
કદાચિત ગામનું છૂટું પડેલું ધણ મળી આવે
ઘણુંયે નામ જેનું સાંભળેલું, ને હતી ખ્યાતિ
મળો એ શખ્સને, ને સાવ સાધારણ મળી આવે
ખખડધજ, કાટ લાગેલી, જૂની બિસમાર પેટીમાં
ખજાનો શોધવા બેસો અને બચપણ મળી આવે