Monday, March 26, 2012

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી..

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.

ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.

આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

- સ્નેહા પટેલ “અક્ષિતારક”