![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgmiE4qmz34S2Nxo3fP7N-CuC1czBoLKeyONaJISM7dlGTJJdpqTvfByHOgGexwA4P3TsM1TKP0ZfUaiif1VjGT7XqRXIqX0wm_SfBSuZBDbv9EbAL4F93HkOlnfHD8rgrWfAM3htCjcjyu/s400/pre.jpg)
ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો
જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.
ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.
ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.
ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.
- શેખાદમ આબુવાલા